ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ફળતા બાદ પાર્ટીએ શિસ્ત સમિતિની રચના કરી હતી. આ કમિટીના સભ્યો રાજ્યમાંથી આવતી ફરિયાદો અને સ્થાનિક નેતાઓની પાર્ટી વિરોધી કાર્યવાહીની સમીક્ષા કરીને તેમની વિરૂધ્ધ આકરા પગલા ભરી રહી છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક કાર્યકર્તાઓની હકાલપટ્ટી બાદ આજે ચાર દિગ્ગજ ચહેરાઓની હકાલપટ્ટી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ શહેર કોંગ્રેસના નેતાઓની હકાલપટ્ટી
ભાજપની જેમ કોંગ્રેસ પાર્ટી પણ શિસ્ત મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ જ કારણે કોંગ્રેસે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે આકરા પગલા ભરતા તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી પામેલા આ દિગ્ગજ ચહેરાઓમાં જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારનો સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસના ગજાના નેતા અને પ્રવક્તા પ્રગતિબેન આહિર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પ્રવીણભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકી ત્રણ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે.
શા માટે હકાલપટ્ટી કરવામાં આવી?
જૂનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓની હકાલપટ્ટી મુદ્દે રાજકિય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. હવે સવાલ એ થાય છે કે આ નેતાઓને સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા?, ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે વિધાનસભાની ચૂંટણી પતી ગયા પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી વખતે નારાજ થઈને ઘરે બેઠા હોય તેવા, જેમણે ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોય કે પછી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેવા મોટા ગજાના આગેવાનોને કે ચમરબંધીઓને પણ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ જરાકે પણ અચકાશે નહીં. હજી પણ ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ આવા પાર્ટી વિરોધી અનેક નેતાઓની હકાલપટ્ટી થઇ શકે છે.
શિસ્ત ભંગ સમિતીને મળી 71 ફરિયાદો
આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.