રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભા સહિતની નાની-મોટી ચૂંટણીઓ જીતવા માટે પાણીની જેમ પૈસા વહાવતા હોય છે. જેમ કે ભાજપે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 340 કરોડથી રૂપિયા પણ વધુનો ખર્ચ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ વર્ષે પૂર્ણ થયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રૂ. 340 કરોડનો ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે આ રાજ્યોમાં રૂ. 194 કરોડથી વધુ ખર્ચ કર્યા છે. આ બંને પક્ષોએ ચૂંટણી પંચને સોંપેલી ચૂંટણી ખર્ચ સંબંધીત વિગતો પરથી આ માહિતી જાણવા મળે છે. ચૂંટણી આયોગે આ માહિતી જાહેર કરી છે.
UP વિધાનસભા ચૂંટણીમાં BJPએ સૌથી વધુ 221 કરોડ રૂપિયા ખર્ચ્યા
ભાજપે આપેલી વિગતો અનુસાર, તેણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પર 340 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 221 કરોડ રૂપિયા, મણિપુરમાં 23 કરોડ રૂપિયા, ઉત્તરાખંડમાં 43.67 કરોડ રૂપિયા, પંજાબમાં 36 કરોડ રૂપિયા અને ગોવામાં 19 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનો 194 કરોડ રૂપિયાનો ખર્ચ
આ જ રીતે, કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને સંબંધિત કાર્યોમાં 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રિય પક્ષો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષોએ નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી પંચ સમક્ષ તેમના ચૂંટણી ખર્ચનો અહેવાલ દાખલ કરવો જરૂરી છે.