ચૂંટણી પહેલાનો સમય આંદોલનનો સમય હોય છે. નારાજ કર્મચારીઓ પોતાની માગ સરકાર સમક્ષ મૂકી સરકારને દબાણ કરતી હોય છે ત્યારે આશ્રમશાળાના કર્મચારીઓએ પોતાની માગ સાથે આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા.
4200 રૂપિયાના ગ્રેડ-પે મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન
આશ્રમ શાળાના શિક્ષકોએ આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની જૂની માગણીઓ સાથે તેમણે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી જયંતી હોવાના કારણે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમની માગણી હતી કે અન્ય સરકારી કર્મચારીઓને ગ્રેડપેનો લાભ મળ્યો છે તો આશ્રમશાળાના શિક્ષકોને પણ સાતમા પગાર પંચનો અને ગ્રેડપેનો લાભ મળવો જોઈએ. પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની નોકરી 24 કલાકની હોય છે. છોકરાઓને ભણાવવા સિવાય તેમને હોસ્ટેલમાં ગૃહમાતા અને ગૃહ પિતા તરીકે પણ સેવા આપવી પડે છે જેનું વેતન પણ નજીવું હોય છે. ગૃહમાતા કે ગૃહપિતાને હોસ્ટેલ સંભાળવા માટે 30 રૂપિયાનું ભથ્થું મળતું હોય છે. પોતાનો રોષ સરકાર સામે ઠાલવતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, કાં તો અમારૂ ભથ્થું વધારો અથવા 30 રૂપિયા પણ ના આપો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ તેમને 1986થી 30 રૂપિયાનું જ ભથ્થું મળે છે તેને વધારવા મામલે સરકાર સાથે અનેકવાર બેઠકો કરી પરંતુ યોગ્ય નિર્ણય નહીં આવતા સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગણી છે કે જો સરકારને ભથ્થું ના વધારવું હોય તો ગૃહમાતા અને ગૃહપિતાની અલગથી નિમણૂક કરો જેથી શિક્ષકોને માત્ર અભ્યાસનું જ કામ રહે.
પોલીસે ગૃહપતિ-ગૃહમાતાઓની અટકાયત કરી
ગાંધીનગર પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર કે અનુમતિ વગર આશ્રમશાળાના શિક્ષકો વિરોધ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના.
ચૂંટણી નજીક આવતા અનેક પ્રકારના લોકો, સંઘો, ગ્રુપ અને સમાજો ગુજરાત સરકાર સામે પોતાની માગણીઓનો વરસાદ કર્યો હતો. જેમાં ગુજરાત સરકારે તેમની એક-બે માગ સંતોષી અથવા અમુક પક્ષોની લગભગ પૂરતી બધી માગ સંતોષી મામલો ચૂંટણી અને આચાર સંહિતા લાગે તે પહેલા પૂર્ણ કર્યો હતો. ચૂંટણીનો સમય હોવાના કારણે અનેક સરકારી અને બિનસરકારી પોતાની માગણીઓ સાથે સરકારનો કાન મરોડી રહ્યા છે ત્યારે ગાંધી જયંતીના દિવસે આશ્રમશાળાના શિક્ષકો પણ મેદાને આવ્યા છે. હવે સરકાર તેમને સાંભળે છે કે તેમની અટકાયત બાદ મુદ્દો શાંત પડી જશે તે જોવાનું રહેશે.