ગુજરાત અને દેશમાં ધર્મ પરિવર્તનના અનેક કિસ્સા સામે આવતા હોય છે પણ આ કિસ્સો આખા દેશમાં સૌથી અલગ હશે એવું મને લાગી રહ્યું છે, આ કિસ્સો કેવી રીતે અલગ છે. આ કિસ્સાથી સમજવું છે કે શું સોશિયલ મીડિયાથી પોલીસને કે વહીવટી તંત્રને ખબર ન પડે તેમ ધર્મ પરિવર્તનના કામ ચાલી રહ્યા છે, વિગતવાર વાત કરીએ તો એક મજૂર પરિવારમાં જન્મેલો હોંશિયાર છોકરો આશિષ ગોસ્વામી પરિવારને ખબર ન પડે તેમ કેવી રીતે બની ગયો શેખ મહમ્મદ અલ સમી.
મોબાઈલે બદલ્યું આશીષનું જીવન!
રાજકોટમાં જેતપુર શહેર છે, જ્યાં જનતા નગર-2 સોસાયટીમાં વર્ષ 2004માં મજૂરી કરીને પેટીયું રળતા વ્યક્તિને ત્યાં આશીષ ગૌસ્વામી નામના વ્યક્તિનો જન્મ થયો. આશીષ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતો પણ બે બહેનોના એક માત્ર ભાઈની પરિસ્થિતિ રૂપિયે ટકે એટલી બધી સારી ન હતી. પણ આશીષને ભણવાની લગન હતી અને તે ભણવામાં સારો પણ હતો. અચાનક ભણવાનું કહીને તેણે મોબાઈલ મગાવ્યો અને અહીંથી તેના જીવનમાં બદલાવો આવવાના શરૂ થઈ ગયા.
બાંગ્લાદેશી છોકરીએ આપી લગ્ન કરવાની લાલચ!
વાત એમ હતી કે ઈન્સ્ટાગ્રામ મારફતે તે બાંગ્લાદેશની એક છોકરીના કોન્ટેક્ટમાં આવ્યો, આ છોકરી સાથે આશીષને લગ્ન કરવા હતા, તેના માટે કંઈ પણ કરવા આશીષ તૈયાર હતો. છોકરીએ લગભગ લાલચ આપી હોય શકે કે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ઈસ્લામ ધર્મ અંગિકાર કરવો પડશે. બસ આ પછીથી આશીષમાં બદલાવો શરૂ થયા. તે મસ્જિદ જવા લાગ્યો, નમાઝ પઢવા લાગ્યો, ઉર્દુ શીખવા લાગ્યો, કાપેલી મૂછ અને દાઢી રાખવા લાગ્યો, ટોપી પહેરવા લાગ્યો અને સૌથી મોટી વાત ઝાકીર નાઈકને સાંભળવા લાગ્યો.
એકાએક આશીષના વર્તનમાં આવ્યા લાગ્યા પરિવર્તન
આ વસ્તુઓના કારણે આશીષમાં અનેક બદલાવો આવવા લાગ્યા, આમ તો આશીષ ઘરમાં આવું કંઈ કરતો ન હતો ટોપી વગેરે કાઢી નાખતો હતો, નમાજ ઘરમાં નહોતો પઢતો, ધાર્મિક પુસ્તકો નહોતો લાવતો પણ અચાનક આવું બધું પણ તે કરવા લાગ્યો. મજૂર બાપનો એકનો એક દીકરો એટલે હરેશભાઈ ગોસ્વામીએ તેને સમજાવ્યો, માર્યો પણ છતાંય તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે મારે ઈસ્લામને જાણવો છે, મહમ્મદ પૈગંબર સાહેબના સંદેશને સમજવો છે. અંતે તેના પિતા પણ કંટાળ્યા. આશીષના પપ્પાએ તેને એકવાર નમાજ પઢતા પણ જોઈ લીધો હતો પણ તે એકનો એક દીકરો હોવાના કારણે કંઈ કહી શક્યા નહોતા જો કે ઠપકો જરૂર આપ્યો હતો.
ધીમે ધીમે ઈસ્લામના ઈતિહાસમાં પડ્યો રસ
એકવાર તો એવું થયું કે આશીષને ખતના વિશે ખબર પડી. રિસર્ચ કરતા ખબર પડી કે શા માટે ખતના કરવામાં આવે છે અને તેને આ વિષયમાં અને ઈસ્લામના ઇતિહાસમાં રસ પડી ગયો તો તેણે ખતના કરાવવાનું નક્કી કરી લીધું. ખતના કરાવવા તે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, જ્યાં ડોક્ટરે તેને કહ્યું કે આવું અમે કરતા નથી પણ ધાર્મિક કારણોસર તને કરાવી દઈ શકું. બસ ત્યાર પછી ડોક્ટરે પોલીસ અને હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો અને ચર્ચામાં આવ્યો આશીષ ગૌસ્વામી અથવા શેખ મહમ્મદ અલ સમી.
આશીષ કરશે માતા પિતાની સેવા
બધી ઘટનાની જાણ રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદને થતાં તેણે આશીષને હિન્દુ ધર્મમાં પાછો લાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જો કે આ કેસની અલગ વિગત એ હતી કે આશીષને કોઈ પણ પ્રલોભન નહોતું આપવામાં આવ્યું ઈસ્લામ ધર્મમાં જવા માટે. આ બધુ પત્યા પછી હિન્દુ સંગઠનોએ કનૈયાનંદ મહારાજની હાજરીમાં આશીષને સમજાવ્યો અને આશીષ સમજી ગયો. હાલ આશીષનું કહેવું છે કે મારે ક્યાંય નથી જવું મારે મા બાપની સેવા કરવી છે. હિન્દુ ધર્મ અને ઈસ્લામમાં પણ મા બાપની સેવાને મહત્વ આપવામાં આવ્યું છે તો હું હવે મારા મમ્મી પપ્પાની સેવા જ કરીશ. ટૂંકમાં એક હોંશિયાર છોકરાની જીવન શૈલી અચાનક બદલાવા લાગે છે. જેનું કારણ છોકરાના પિતાનું માનવું છે કે બાંગ્લાદેશની છોકરી હોઈ શકે.