ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝ (The Ashes)ના બીજા મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિકેટ મેચ લોર્ડસના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેચ શરૂ થઈ તે દરમિયાન જ લોર્ડસના મેદાન પર જબરદસ્ત ડ્રામા શરૂ થઈ ગયો હતો. મેચ દરમિયાન જ જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રૂપના અનેક પ્રદર્શનકારો મેદાન પર દોડી આવ્યા હતા.
બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવ્યો
ક્રિકેટના મેદાન પર દોડી આવેલા પ્રદર્શનકારોએ પૈકીના એકને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવી લીધો હતો, તે તેને લઈને સીધા જ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા. આ પ્રદર્શનકારોએ બેયરસ્ટો પર ઓરેન્જ કલરનો પાઉડર પણ ફેંક્યો હતો. આ દરમિયાન પીચ પર દોડતા પ્રદર્શનકારીઓને ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.
શા માટે મેદાન પર દોડ્યા પ્રદર્શનકારો?
જસ્ટ સ્ટોપ ઓયલ ગ્રુપ ઈંગ્લેન્ડના પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જુથ છે. તેનું લક્ષ્ય બ્રિટનની સરકારને નવા ઓઈલ લાયસન્સ જારી કરવાથી રોકવાનું છે. આ ગ્રુપની સ્થાપના ફેબ્રુઆરી 2022માં થઈ હતી, અને આ ગ્રુપ દ્વારા એપ્રીલ 2022માં બ્રિટિશ ઓઈલ ટર્મિનલો પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ ગ્રૂપ ઈંગ્લેન્ડમાં તેના વિરોધ પ્રદર્શન કરવાની સ્ટાઈલના કારણો અવારનવાર ચર્ચામાં રહે છે, લોકો તેના આવી વિરોધ શૈલીની ટીકા પણ કરે છે.