આસારામ બળાત્કારના કેસમાં છેલ્લા 11 વર્ષથી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે તેમની તેમની નાદુરસ્ત તબિયતને લઈને મોટી અપડેટ સામે આવી છે. 80 વર્ષીય આસારામની તબિયત હાલ ગંભીર છે. મહિલાઓના યૌન શોષણના આરોપમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડતાં હાલ જોધપુર AIIMSમાં સારવાર હેઠળ છે.
નારાયણ સાંઈની જામીન માટે હાઈકોર્ટમાં અરજી
આ દરમિયાન સુરત જેલમાં બંધ તેમના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે અરજી કરી છે. નારાયણ સાંઈ આસારામના એકમાત્ર પુત્ર હોવાના આધારે 20 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. નારાયણ સાંઈએ બીમાર પિતા આસારામની સેવા માટે વચગાળાની જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.નારાયણ સાંઈની અરજી પર 29 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
આસારામને બે કેસમાં આજીવન કેદની સજા
આસારામને જોધપુર પોલીસે 2013માં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ઈન્દોરથી ધરપકડ કરી હતી. ત્યારથી આસારામ જેલના સળિયા પાછળ છે. 5 વર્ષના લાંબા ટ્રાયલ બાદ 25 એપ્રિલ 2018ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગરમાં પણ મહિલા પર બળાત્કારનો કેસ નોંધાયેલો છે. તે કેસમાં પણ આસારામને 31 જાન્યુઆરી 2023ના રોજ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામ એક સાથે બે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.