રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે આસારામના પરિવારજનો સામે મોટો નિર્ણય લીધો છે, ગુજરાત સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2013ના સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ કરશે. 6 આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. આસારામને ગુજરાત તેમજ રાજસ્થાનનો કેસ અલગ અલગ હોઈ સજા એક સાથે કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નથી. જે બાબતે કાયદાકીય અભિપ્રાય અપાયો છે.
ગાંધીનગર કોર્ટે સંભળાવી હતી સજા
અત્રે ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ ગાંધીનગરની એક કોર્ટે આસારામને તેની પૂર્વ મહિલા શિષ્યા દ્વારા 2013માં નોંધાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા, આ લોકો પર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે
રાજસ્થાનમાં વર્ષ 2013માં આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં આસારામ હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.