ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવો પડે છે. માત્ર ગણતરીના કલાકો બાકી હોવાને કારણે ઉમેદવારો તથા પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરશે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સભાઓ કરી મતદારોને આકર્ષવા તનતોડ મહેનત કરશે.
પ્રથમ તબક્કાની બેઠકો પર આજથી શાંત થશે ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં જ્યારથી ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાત બોલાવી પ્રચાર કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં બોલાવ્યા હતા.
બીજા તબક્કાની બેઠકો પર વધારાશે પ્રચારનો માર
પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે થવાનું છે. જેને કારણે આ બેઠકો પર સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાષ્ટ્રીય નેતાઓ આ બેઠકો પર જનસભા યોજવાના છે અને રેલીઓ કાઢવાના છે. પાંચ વાગ્યા બાદ જાહેર સભાઓ નહીં યોજાય ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ નહીં કરી શકાય. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા તમામ પાર્ટી મહેનત કરી રહી છે. આ પડઘમ શાંત થતા બીજા તબક્કા માટેનો પ્રચાર જોર-શોરથી ચલાવામાં આવશે.