છેલ્લા ઘણા સમયથી મણિપુર ભડકે બળી રહ્યું છે. મણિપુરની ઘટના અંગે પ્રધાનમંત્રી કોઈ નિવેદન આપે તેવી ત્યાંના લોકોની તેમજ વિપક્ષી પાર્ટીઓની માગ છે. એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી ધારે તો મણિપુરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકે છે. પીએમ મોદીએ ભલે મણિપુરની સ્થિતિ અંગે વાત નથી કરી પરંતુ ત્યાંથી જે વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેમનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું છે. તેમનું નિવેદન સાંભળી અનેક લોકોએ કહ્યું કે બડી દેર કરી દે જનાબ આતે આતે, તો કોઈએ કીધું કે દેર આયે દુરૂસ્ત આયે.
લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરાઈ
હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદની કામગીરી દરમિયાન દેશમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક એવા મુદ્દાઓ હોય છે જેને કારણે સંસદમાં હોબાળો થતો હોય છે અને કાર્યકાળને સ્થગિત કરવામાં આવતો હોય છે. ગઈકાલે પણ સંસદમાં ભારે હોબાળો મણિપુરની પરિસ્થિતિ અંગે થયો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે.
મણિપુરની હિંસાને લઈ થયો હતો હોબાળો
ગઈકાલે સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી આજે 11 વાગ્યે ફરી શરૂ કરાઈ હતી. પરંતુ કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરમાં થયેલી હિંસાને લઈ માહોલ ભડકી ઉઠ્યો હતો.સંસદની કાર્યવાહી સ્થગિત ગઈકાલે પણ કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે મુદ્દાને લઈ હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને AAP સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં RJD નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.