થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. પ્રચાર કરવા અનેક ભાજપના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોઈ કચાસ ન રહે તે માટે ભાજપે પ્રચાર માટે આખી ટીમ ઉતારી છે. આગામી 15 દિવસ દરમિયાન કેન્દ્રિયમંત્રીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીઓ સંભાળશે પ્રચારની જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉપરાંત આગામી 15 દિવસ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓને ગુજરાતમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
15 દિવસો દરમિયાન વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં કરશે પ્રવાસ
સ્મૃતિ ઈરાની પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. થોડા સમય પૂર્વે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આવતી કાલે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ ગુજરાત આવી તાપી, વ્યારા અને નિઝર વિસ્તારમાં જઈ પ્રચાર કરવાના છે. મધ્ય ગુજરાતમાં પ્રચારની જવાબદારી કેન્દ્રીય મંત્રી બિ.એલ વર્માને સોંપવામાં આવી છે. મહેમદાવાદ અને મહુધામાં તેઓ ભાજપનો પ્રચાર કરશે. વીરેન્દ્ર સીંહ કલોલ વિસ્તારના મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. મહેન્દ્ર મુજપરા ભાવનગર તેમજ તળાજાના પ્રવાસે જવાના છે. જ્યારે કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે.
મોડાસા વિધાનસભાનો પ્રવાસ અજય ભટ્ટ કરવાના છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવ સાવરકુંડલા અને રાજુલામાં જઈ પ્રચારનો મોરચો સંભાળવાના છે. નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકા વિધાનસભામાં પ્રચાર કરવાના છે. કિરણ રિજ્જૂ પણ મહુવામાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે. 7 ઓક્ટોબરના રોજ સ્મૃતિ ઈરાની પણ ગુજરાત આવવાના છે અને પેટલાદ અને સોજીત્રામાં ભાજપના કામો ગણાવશે.
ફરી એક વખત પીએમ કરશે ગુજરાતમાં પ્રચાર
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી નજીક આવતા અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભામાં ભાગ લેવાવા છે. સંબોધન કરી લોકોને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવાના છે.