હાલ રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માત થવાનું સંકટ રહેતું હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક બીજા સાથે ભટકાયા છે. ટક્કરને કારણે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.
ધુમ્મસભર્યા વાતાવરણને કારણે થયો અકસ્માત
અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે. અનેક વખત ઓવર સ્પીડને કારણે એક્સિડન્ટ થતા હોય છે તો કોઈ વખત વિઝિબિલિટી ઘટતા અકસ્માત થતા હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનોની ટક્કર થઈ છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક સાથે ભટકાયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી અનુસાર વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. કેટલાંય લોકોને આ અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.