ભારતના એક સમયના મિત્ર દેશ માવદીવમાં ઈન્ડિયા આઉટનો નારો ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુ બાદ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી( બીએનપી)એ આ અભિયાન શરૂ કર્યું છે. બીએનપીએ બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ એટલે કે ભારતને બહાર કાઢો અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન મુઈજ્જુની પાર્ટી પીએનસીના ગત વર્ષે શરૂ કરવામાં આવેલા કેમ્પેઈન જેવું જ છે. જેમાં તેમણે ઈન્ડિયા આઉટનો નારો આપીને પોતાના દેશમાં ભારતની દખલ ઓછી કરવાની વાત કરી હતી, આ આંદોલન બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. હવે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધ પક્ષ બીએનપી પણ ભારતના માર્ગે છે. ઉલ્લેખનિય છે કે બીએનપી ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પાર્ટી મનાય છે.
તારીક રહેમાન ચલાવી રહ્યા છે અભિયાન
બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ આંદોલન પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારીક રહેમાન બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તારીક પર દેશમાં અનેક કેસ ચાલી રહ્યા છે, તેથી તે ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે તેમણે તેમનાી પાર્ટીના કાર્યકરોને માલદીવની જેમ ભારત વિરોધી આંદોલન ચલાવવાની સૂચના આપી છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ભાવનાને ઉશ્કેરવાનો પણ હેતું છે. બીએનપી સાયબર સેલએ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.