દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ગઈકાલે ધરપકડ કરી લીધી હતી. લાંબી પૂછપરછ બાદ મોડી રાત્રે તેમને ઈડી લઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમણે અરજીને પરત ખેંચી લીધી છે. મહત્વનું છે કે ધરપકડ થયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર તેમણે ખખડાવ્યા હતા અને તરત સુનાવણી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારી પણ લીધી હતી અને સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ પણ તૈયાર કરાઈ હતી.આ બધા વચ્ચે ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઈડીએ કોર્ટને કહ્યું કે કોઈ પણ નિર્ણય સંભળાવતા પહેલા અમને સાંભળો. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે તેમની અરજીને પાછી ખેંચી લીધી છે.
ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ
દેશભરમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ તેમને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વિરોધમાં જોડાયેલા કોંગેસના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે બાદ ગુજરાતના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.