આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમની એક દિવસના મુલાકાતે વડોદરા પહોંચ્યા હતા. કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'તેમની આમ આદમી પાર્ટી પાર્ટી સત્તામાં આવશે, તો ગુજરાતમાં જૂની પેન્શન યોજના ચોક્કસ લાગુ કરશે.'
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, આજે જ્યારે હું વડોદરા એરપોર્ટ પર ઉતર્યો ત્યારે લગભગ 30-40 લોકોએ “મોદી મોદી” ના નારા લગાવ્યા હતા. અત્યારે ગુજરાતમાં એવું વાતાવરણ બની ગયું છે કે ભાજપને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. કહેવાય છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારની 66 વિધાનસભા સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી. આ વખતે તેમને તે 66 સીટો પર પણ મુશ્કેલી પડવાની છે. કારણ કે તેઓ આ વખતે ત્યાંની બધી સીટો જીતવાનાં નથી. આથી સ્વાભાવિક છે કે તે લોકો મારા વિરુદ્ધ જ નારા લગાવશે.
આ સરકાર ભ્રષ્ટ છે, 27 વર્ષના શાસનથી ઘમંડ આવી ગયો છે: કેજરીવાલ
સરકારી કર્મચારીઓને લઈ કેજરીવાલે જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે, ખૂબ ગુસ્સે છે અને સચિવાલયનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે. કેજરીવાલે કહ્યું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણી જીતવામાં કે હારવામાં સરકારી કર્મચારીઓની સૌથી મોટી ભૂમિકા હોય છે. હું તેમને વિનંતી કરું છું કે આ સરકાર ભ્રષ્ટ છે. આ સરકાર જન વિરોધી કામ કરી રહી છે. આ સરકારને 27 વર્ષ થઈ ગયા, હવે તેમનામાં ઘમંડ આવી ગયો છે. એકવાર તેને દૂર કરવી ખૂબ જરૂરી છે. બધા સાથે મળીને તેમને દૂર કરવાની તૈયારી કરો અને તે દિશામાં કામ કરો. અમે તમારી પાસેથી એક તક માંગીએ છીએ.