ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજયના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કેજરીવાલ આવતીકાલે 17 ઓક્ટોબરે ઊંઝાનો પ્રવાસ કરશે. જો કે આ તેમની ઉંઝા મુલાકાત પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે.
કેજરીવાલને ઉમિયા મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ
અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપીને મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ કરવામાં આવી હતી..મંદિરને રાજકીય અખાડો ન બનાવીને સરભરા નહીં કરવા માંગણી કરી હતી. પત્રમાં AAPના મંત્રીઓ અને નેતાઓ હિન્દુ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર કોણે લખ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉમિયા માતાજી સંસ્થાનને શું નિર્ણય લીધો તે જાણી શકાયું નથી.
AAP નેતા ગોપાલ ઈટાલીયા રાજેન્દ્ર પાલ ગૌતમને લઈ થયો હતો વિવાદ
અત્રે ઉલ્લખેનીય છે કે દિલ્લીના પૂર્વ મંત્રી અને AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમની ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી અને હિન્દૂ દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાના શપથને કારણે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની છબી ખરડાઈ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાનો પણ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું હતું કે મહિલાઓએ મંદિરમાં અને કથામાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં મહિલાઓનું શોષણ થાય છે.આ બે બાબતોને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે.