ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીએ પોતાના સંસદ પદને ગુમાવવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલનો નંબર આવી શકે છે તેવું લાગી રહ્યું છે. તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેને લઈ આચાર સંહિતા ભંગના કેસનો સામનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પણ ભાજપને વોટ આપશે તેને ભગવાન પણ માફ નહીં કરે. આ ઉપરાંત કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે, “જો કોંગ્રેસ કો વોટ દેગા તો વો દેશ કે સાથ ગદ્દારી હોગી. 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે ઘણા વિરોધ શબ્દો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ભડકાઉ ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.
શું કહ્યું હતું ન્યાયાધીશોએ
આ નિવેદન બાદ તેમની સામે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ જજની બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ બીજેપીને મત આપશે તો ‘ખુદા’તેમને માફ નહીં કરે.
અનેક નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવી રહી છે કાર્યવાહી
જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે એવું પણ કહ્યું કે કેજરીવાલ ‘ખુદા’ના નામે મતદારોને ધમકાવી રહ્યા છે. તે સારી રીતે જાણે છે કે જો ‘ખુદા’શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો વિવિધ ધર્મના મતદારોને અસર થશે.જે પ્રમાણે હાલ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જ કાર્યવાહી શું સત્તા પક્ષના નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવે છે?