ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી પોતાની સ્ટાઈલમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પ્રચાર અભિયાન અંતર્ગત કેજરીવાલ રોજકોટમાં રોડ-શો કરવાના છે.
સાંજે રાજકોટમાં કેજરીવાલ કરશે રોડ-શો
ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે, તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રહી આપનો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે. સાંજના 5 વાગ્યે રાજકોટના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન રાજકોટમાં આવેલી વિધાનસભા બેઠક પર તેમની નજર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ અગાઉ અંજાર ખાતે પણ તેમણે રોડ-શો યોજ્યો હતો.
ઈન્દ્રનીલને લઈ આપી પ્રતિક્રિયા
રવિવારના દિવસે રોડ-શો હોવાને કારણે તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઈન્દ્રનીલના સમર્થકોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈન્દ્રનીલના આરોપો અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે આ બધુ બકવાસ છે. રાજ્યગુરૂ સીએમ ઉમેદવાર બનવા માંગ્તા હતા, પરંતુ તેમને ઉમેદવાર ન બનાવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા.
અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે
ગુજરાતમાં આજે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવવાના છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ઉપરાંત અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ રોડ-શો કરી મતદારોને રિઝવવા પ્રયત્ન કરવાની છે. ત્યારે કરવામાં આવેલા પ્રચારનું શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.