ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ જામ્યો છે. ઈલેક્શન નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ પર વડાપ્રધાને કર્યા પ્રહાર
3 દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જ્યારે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તેમણે કહ્યું કે મારે તમને સતર્ક કરવાના છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રીએ પૂછ્યો પીએમને સવાલ
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યો કે શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે. ભાજપના પ્રમાણે કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી તો પોતાના સંબોધનમાં પીએમે શા માટે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો?