રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ... નીતિ સાથે રાજ કરવાની વાત આ શબ્દમાં જોવા મળે છે. નીતિ શબ્દ જેટલો બોલવામાં સરળ છે પરંતુ સત્તામાં રહી તેનું પાલન કરવું એટલું અઘરૂં છે...! રાજનીતિમાં કંઈક બદલાવ લાવવાની ભાવનાથી, તે ઉદ્દેશ સાથે સમયાંતરે આંદોલન થાય છે, આંદોલનની ચળવળ ક્યારે રાજકીય ચળવળ બની જાય છે તેની ખબર નથી પડતી. જે પાર્ટીનું નિર્માણ ભ્રષ્ટાચાર સામે લડવા માટે થયું હતું તે જ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર ભ્રષ્ટાચારના આરોપો લાગે છે.. પૂછપરછ માટે ઈડી સમન્સ મોકલે છે પરંતુ તે હાજર થતા નથી અને જ્યારે તેમની ધરપકડ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે લોકશાહી ખતરામાં પડી ગઈ છે....!
કોર્ટની નિષ્પક્ષતા પર સવાલ ત્યારે પાર્ટીઓ કરે છે જ્યારે....
લોકશાહી ખતરામાં પડી ગઈ છે જ્યાારે આવી વાત થાય છે ત્યારે સવાલ થાય કે પોતાના પક્ષના નેતા પર વિરૂદ્ધ કાર્યવાહી થાય ત્યારે જ આ પ્રશ્ન કેમ થાય છે? ન્યાય પ્રણાલી પર, જજોની વિશ્વસનીયતા પર ત્યારે જ પ્રશ્ન કેમ થાય છે જ્યારે તે કાર્યવાહી પોતાના પક્ષની સામે થાય છે. એક સમય હતો જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ સી.જે.આઈ માટે વાત કહી હતી કે તેમને સી.જે.આઈમાં શ્રીકૃષ્ણ દેખાય છે. કોઈ બીજા માટે જ્યારે તટસ્થ રહીને ચૂકાદો આપવામાં આવે તો તે ગમે પરંતુ જ્યારે કોર્ટ પોતાના પક્ષ માટે આવો ચૂકાદો સંભળાવે ત્યારે કોર્ટની વિશ્વસનીયતા પર સવાલો કરવામાં આવે છે? તમારા તરફેણમાં કોર્ટ ચૂકાદો આપે છે તો તે સારી, વિશ્વસનીય અને જો તમારી તરફેણમાં ચૂકાદો નથી આપતી તો તેની વિશ્વસનીયતા પર સવાલ કેવી રીતે કરી શકાય?
દેશ જાણે બીજી આઝાદી અને લોકતંત્રને મજબૂત કરવાની લડાઈ લડી રહ્યો છે....
અમે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની... ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે તેમણે અન્ના હજારે સાથે રામલીલા મેદાનમાં આંદોલન કર્યું. લોકપાલ બિલ લાવવા માટે કોંગ્રેસની સરકાર સામે આંદોલન છેડ્યું હતું. તે આંદોલનમાં અનેક જાણીતા ચહેરાઓ દેખાયા હતા. અન્ના હજારે સાથે જોવા મળતા ચહેરાઓમાં મુખ્ય લોકો કેજરીવાલ, મનિષ સિસોદીયા, કિરણ બેદી, કુમાર વિશ્વાસ, આગળ જતા આશુતોષ , શાંતિ ભુષણ અને પ્રશાંત ભુષણ રહેતા... તસવીરો જોઈને લાગતુ કે દેશ જાણે બીજી આઝાદી અને લોકતંત્રને મજબૂત કરવાની નવી જ લડાઈ લડી રહ્યો છે. ક્રાંતિ લાવવાનો જુસ્સો લોકોમાં દેખાતો હતો. તે વખત ભલે સોનિયા યુગ કોંગ્રેસમાં ચાલતો હોય પરંતુ ટીવી સ્ક્રીન પર અદભૂત પત્રકારોની ઝલક જોવા મળી રહી હતી.
જે પાર્ટી સામે ભ્રષ્ટાચાર મુદ્દે લડ્યા હતા તેની સાથે ગઠબંધન કરી સરકાર બનાવી..!
ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે શરૂ થયેલા આંદોલનમાં લોકપાલની વાત ગૌણ થઈ, ન્યાયની ચળવળ રાજકીય ચળવળ બની. રાજનીતિમાં ઝંપલાવવું કે નહીં તે માટે અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદ થયા. 26 નવેમ્બર 2012, બંધારણ દિવસ પર જ આમ આદમી પાર્ટીનું ગઠન થયું, દેશમાં રાજનીતિ બદલીશું એવા દાવા સાથે દિલ્હીમાં પહેલી વાર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી. 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 70માંથી 28 બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા.પણ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આમ આદમી પાર્ટીએ જે કૉંગ્રેસ સામે લડાઈ હતી એની જ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી, 49 દિવસ પછી દિલ્હીમાં ફરી રાજકીય ડ્રામા થયો.
રાજનીતિને બદલવા નીકળેલી આપ સત્તાની અઠંગ બની ગઈ...!
રાજકીય ડ્રામાએ નવું રૂપ લીધું. કોંગ્રેસ સાથે આપે ગઠબંધનનો છેડો ફાડ્યો. 2014માં લોકસભાની ચૂંટણી આવી, કંઈક બદલાવ કરવાની ભાવના સાથે અને યુપીએ સરકાર સામે રોષે ભરાયેલા લોકોએ નરેન્દ્ર મોદીમાં આશા દેખાઈ અને ભાજપે બહુમતિ સાથે દેશમાં સરકાર બનાવી. 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી. દિલ્હીની જનતાએ પણ સત્તામાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો અને આમ આદમી પાર્ટીએ અદ્ભૂત જીત હાંસલ કરી. 70 વિધાનસભાની બેઠકોમાંથી 67 બેઠકો પર જીત મેળવી. ભારતીય તેમજ વિશ્વની રાજનીતિનો ઈતિહાસ કહે છે કે સત્તાનો સ્વભાવ છે કે એ તમને કરપ્ટ કરવાની કોશિશ કરે છે. રાજનીતિને બદલવા નીકળેલી આમ આદમી પાર્ટી સત્તાની અઠંગ ખેલાડી બની,...
10 વર્ષના સમયગાળાની અંદર જ પાર્ટી ભ્રષ્ટાચારના આરોપો સાથે ઘેરાવા લાગી...!
લોકોને લાગતું હતું કે ભારતીય રાજકારણના ઈતિહાસમાં નવો દોર શરૂ થઈ ગયો છે કારણ કે નવી રાજનીતિના નામ પર શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ, સારી સરકારી શાળાઓ, દવાખાનાઓ, રસ્તા વગેરેની વાત કરવામાં આવી. સિસ્ટમમાં રહેલા કિચડને સાફ કરવા નિકળેલા નેતાઓ પણ કિચડનો ભાગ ક્યારે બની જાય છે તેની ખબર નથી પડતી.. 2022 આવતા સુધીમાં, એમની રાજનીતિક સફરને 10 વર્ષ થાય ત્યાં સુધીમાં તો ભ્રષ્ટાચારના આરોપોથી પાર્ટી ઘેરાવા લાગી, એક સાથે અનેક રાજ્યોમાં સરકાર બનાવવાની લાલચ કહો તે પ્રધાનમંત્રી પદની ઘેલછા, આમ આદમી પાર્ટી પર વારંવાર દિલ્હી સરકારના રૂપિયા પક્ષની તિજોરીમાં ભરવાના આરોપ લાગતા ગયા,
ભરોસાની ભેંસે પાડો જણ્યો તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી....
પોતાને આમ આદમી કહેતા નેતાઓ સત્તાની ખાસ સવલતો, લાખો રૂપિયાના ભાડા વાળા હોટેલના રૂમથી માંડીને, મોંઘી ગાડી, પ્રાઈવેટ હવાઈ જહાજમાં મુસાફરીથી લઈ કરોડોના ખર્ચે બંગલાના રિનોવેશન સુધીની બાબતોમાં ઘેરાતા ગયા. કેજરીવાલની રાજનીતિના એક પછી એક પટલો ખુલવા માંડ્યા, એમના મુદ્દાઓ પર છેક સુધી ભરોસા કરતા માણસોને પણ લાગવા માંડ્યું કે આ કિસ્સામાં પણ ભરોસાની ભેંસે પાડો જણ્યો છે.
દેશનો લોકતાંત્રિત મિજાજ ક્યારેય નથી પાડી ભંગાતો...
1977 હોય કે 2011, આંદોલનોએ નેતાને જન્મ આપ્યો છે પણ એ જ નેતાઓ આગળ જતા એ જ રાજનીતિનો હિસ્સો બન્યા છે. પણ છતાંય જનતા ક્યારેય નિરાશ નથી થતી, અને કોઈપણ રાજનેતા આ દેશના લોકતાંત્રીક મિજાજને નથી બદલી શકતો. આજના રાજનીતિક સમયમાં કોઈ ભક્ત તો કોઈ દલાલ તરીકે ઓળખાય છે. માત્ર સંસ્થા, અધિકારી, નેતા કે પત્રકારો નહીં, નાગરીકોનો વિશાળ સમુદાય પણ આ બે ભાગોમાં વહેંચાયેલો છે. જે કેજરીવાલના પક્ષે છે એ ભ્રષ્ટાચારની વાસ્તવિકતા સામે દેખાતી હોવા છતા ચૂપ છે અને જે કેજરીવાલની સામે છે એ ઈડી જેવી સંસ્થાના દુરપયોગ અને સત્તાના બાકીના દેખીતા ભ્રષ્ટાચારો પર મૌન છે. પણ છતાંય ઈતિહાસ જોયા પછી આપણી પાસે એ સાંત્વના છે કે જ્યારે બધું જ પડતુ અને મરતુ દેખાય ત્યારે પણ આ દેશનો લોકતાંત્રીક મિજાજ ક્યારેય નથી પડી ભાંગતો...