ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. કેજરીવાલે રાજ્યના બેરોજગારોને રાહત આપતા 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલની આ જાહેરાતથી ભાજપ સહિત કોંગ્રેસ પણ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.
યુવાનોને આકર્ષવાનો માસ્ટર સ્ટ્રોક
કેજરીવાલે ભાજપને જોરદાર ટક્કર આપવા જાહેરાત કરી કે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં 10 લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. તેમના આ મોટા વચનોથી રાજ્યના હજારો યુવાનો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા છે. તેમની રોજગાર ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને સામત ગઢવી જેવા યુવાનો આપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે યુવરાજ સિંહ જેવા યુવાનો સરકારી ભરતીઓમાં થતી ગેરરિતીઓને બહાર લાવી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા. હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈને રોજગાર ગેરંટી યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા યુવાનોને આકર્ષવામાં કેટલી સફળ રહે છે તે ચુંટણી પરિણામો આવ્યા બાદ જ જાણી શકાશે.