જમાવટ મીડિયા, BY UTPAL DAVE
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પર મહાત્મા ગાંધીની સાથે-સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની વાત કરી હતી. કેજરીવાલના આ નિવેદનને ગુજરાત ચૂંટણી પહેલા હિંદુત્વ કાર્ડ રૂપે જોવામાં આવી રહ્યું છે.
ચલણી નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ?
મહાત્મા ગાંધીના 100 મી જન્મજયંતી પર પહેલી વખત નોટ પર ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી. ત્યાર બાદ 1987માં પહેલી વખત 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને તેના પર ગાંધીજીની તસવીર છપાઈ હતી. વર્ષ 1996માં રિઝર્વ બેંકએ મહાત્મા ગાંધી સીરીઝની નોટ છાપી હતી. નોટબંધી બાદ બે હજારની નવી નોટ છાપવામાં આવી હતી તેના પર પણ ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી.
નોટ પર ગાંધીજીનું ચિત્ર શા માટે?
નોટ પર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય રિઝર્વ બેંકે લીધો છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ ગાંધીજી દેશના સર્વમાન્ય નેતા છે, તેમની છબી નિર્વિરોધ નેતાની છે. દેશના અન્ય નેતાઓની તસવીર છાપવામાં આવે તેને લઈને RBIએ એક સમિતિની રચના કરી હતી તેમાં તમામ સભ્યોએ મહાત્મા ગાંધીને સર્વસ્વિકૃત નેતા ગણાવ્યા હતા. નવેમ્બર 2014માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે RBIની કમિટીએ મહાત્મા ગાંધી સિવાય અન્ય નેતાઓની તસવીર નહીં છાપવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા કમિટીના સભ્યોએ જણાવ્યું કે કોઈ પણ નેતા ગાંધીજીથી વધુ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શક્તા નથી.
નોટો પર તસવીર છાપવા અંગે RBI એક્ટ શું કહે છે?
દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ હોય છે. નોટની જેમ તેના પર કોઈ પણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલે લે છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગે કાયદો બનાવવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ તેના પર નિર્ણય લે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની જ દખલગીરી વધુ છે.’