દિલ્હીમાં ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. ત્યારે આ વખતે વિવાદ એટલો બધો વધી ગયો કે વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ રસ્તા પર આવી ગયા. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ માટે શિક્ષકોને ફિનલેન્ડ જવાની ના પાડી જેને કારણે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.
રસ્તા પર ઉતરી અરવિંદ કેજરીવાલે કર્યો વિરોધ
રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પરંતુ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનબન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. બંને એકબીજા પર આરોપ- પ્રતિઆરોપ લગાવતા રહે છે. ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે આપ અને ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિંલેન્ડ જવાની ના પાડી જેને કારણે વિવાદ છેડાયો છે. ઉપરાંત આપે એલજી પર દિલ્હીમાં યોગ કક્ષાઓ બંધ કરાવી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ વાતનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ પોતાના વિધાયકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કર્યું હતું.