દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટીંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને નિષ્ફળ બનાવવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ નિવેદન આપી કેજરીવાલનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.
કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે દિલ્હી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આ મામલે આમ આદમી પાર્ટીનો સાથ નહીં આપવાની સલાહ આપી છે. નેતાઓનું એવું કહેવું છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે બિહારના સીએમ નિતીશ કુમાર સાથે બેઠક કરી ત્યાર બાદ નિતીશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્રના વટહુકમનો રાજ્ય સભામાં વિરોધ કરવાની અપીલ કરી હતી. આજ પ્રકારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિપક્ષોને એકજુથ થવાનું આહવાન કર્યું હતું.