લગ્ન સમારોહમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જેને કારણે ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હોય છે પરંતુ અનેક વખત એ જ ફટાકડાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં કોઈ વખત વ્યક્તિની જાન પણ જતી રહે છે. ત્યારે આવો જ કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો અને પછી જે સર્જાયું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે.
આતિશબાજી દરમિયાન સર્જાઈ દુર્ઘટના!
ખુશીનો તહેવાર ઘણી વખત દુખમાં ફેરવાઈ જતો હોય છે. હાર્ટ એટેક આવવાને કારણે થતા મોત વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અલગ છે. મધ્યપ્રદેશથી એક ઘટના સામે આવી છે જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે જ્યાં ધાર જિલ્લાના અંચલ ક્ષેત્રના જલોખ્યામાં લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો.
મોંમાં જ ફાટી ગયું રોકેટ!
આ લગ્નમાં સામેલ થવા જમ્મુ-કાશ્મીરમાં ફરજ નિભાવતા ભારતીય સેનાના સૈનિક આવ્યા હતા.લગ્ન સમારોહમાં આતિશબાજી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટંટ બતાવવાના ચક્કરમાં જવાને રોકેટને બોટલમાં રાખવાની જગ્યાએ પોતાના મોમાં રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર પહેલો રોકેટ આવી જ રીતે સળગાવ્યો હતો. આ ઘટના બીજા રોકેટને સળગાવતા દરમિયાન બની હતી. ઉપર ફાટવાની જગ્યાએ રોકેટ મોંમાં જ ફાટી ગયો હતો.
ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં!
બોટલમાં ફટાકડો રાખવાની જગ્યાએ જવાને મોમાં રાખી સ્ટંટ કરવાની કોશિશ જવાનને ભારે પડી હતી. હવામાં રોકેટ ફાટવાની જગ્યાએ રોકેટ જવાનના મોમાં ફાટી જાય છે. રોકેટ ફાટી જવાથી જવાનનું મોં ખરાબ થઈ ગયું હતું. આ ઘટના બાદ અફરા-તફરી સર્જાઈ હતી. જવાનની મોત પણ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.