કેન્દ્ર સરકારે ગત વર્ષે ત્રણેય સેનાઓમાં જવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે આ અગ્નિપથ યોજના હેઠળનાં નિયમોમાં મોટું પરિવર્તન કર્યું છે. યોજના પ્રમાણે હવે ITI પોલિટેકનિક પાસ પણ અરજી કરી શકશે. સેનાએ અગ્રિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટેની યોગ્યતાના માપદંડમાં ફેરફાર કર્યો છે. હવે પ્રિ સ્કિલ્ડ યુવાનો પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. આ નવી જાહેરાતથી હવે ITI પાસ યુવાનો માટે સેનાના દરવાજા ખુલી ગયા છે.
અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ
અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતીનું રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. અગ્નિપથ ભરતી વર્ષ માટે અપરિણીત યુવાનો સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર વિઝીટ કરીને તેમની અરજી કરી શકે છે. ઓન લાઈન અરજીની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે, જ્યારે પ્રવેશ પરીક્ષા 17 એપ્રીલ 2023ના દિવસે યોજાશે.
નોટિફિકેશન મુજબ, અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનની જગ્યાઓ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં તાજેતરના ફેરફારો પછી, હવે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે.
અરજી માટે ક્રાઈટેરિયા વધ્યો
અગ્નિવીરોની ભરતી માટે 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ધોરણ 10 પાસ ઉમેદવારો અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (તમામ આર્મ્સ) માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર)ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 8મું-10મું પાસ ઉમેદવારો અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. હવે ITI-પોલીટેકનિક પાસ આઉટ યુવાનો પણ નવા ફેરફાર માટે અરજી કરી શકશે. આ પ્રશિક્ષિત યુવાનોએ સેનાની ટેકનિકલ શાખામાં અરજી કરવાની રહેશે. તેમની તાલીમ પણ ઓછા સમયની હશે.