પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. પહેલા રામ રાજ્ય હતું પરંતુ હવે રામના નામે રાજનીતિ થઈ રહી છે! થોડા દિવસો પહેલા જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખીસકોલી અંગે વાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છું.’આવી જ ખિસકોલીની વાત હાર્દિક પટેલે જે તે સમયે કરી હતી. ખીસકોલીની વાત નીકળી જ છે તો થયું કે ખીસકોલીની એક રચના તમારા સુધી પહોંચાડીએ જે કૃષ્ણ દવેની રચના છે. અર્જુન મોઢવાડિયા તથા હાર્દિક પટેલ ધારે તો પોતાના પર લઈ શકે, બાકી આ તો કવિની રચના છે.
ખીસકોલી ! ! !
ખીસકોલી હિબકે ચડી
ઘૂંટણીયા ટેકવ્યા તે બીજુ નહીં કોઈ અને એક જ હું નજરે પડી ?
ખીસકોલી હિબકે ચડી
કમળને રોજનું છે કેટલાંયે ભમરાઓ સામેથી કેદ થવા આવે
સમજે ઇ પોતાની સર્જરી કરાવે ને મૂળમાંથી જીભ જ ખેંચાવે
પૂછ્યા વિના જ મને સરખાવી દીધી તે તમને હું કોઈ દિ નડી ?
ખીસકોલી હિબકે ચડી
મોસમને જોઇ રંગ બદલી નાખ્યો કે પછી નીકળ્યા અંધારા ખંખેરવા?
નાનકડી સમજણનો દીવો પ્રગટે તો એને વ્હાલ કરે હુંફાળા ટેરવાં
મુંગા રહી આવડ્યું ઇ કામ મેં કર્યું ને ભાઈ એટલે હું રામને જડી
ખીસકોલી હિબકે ચડી
કૃષ્ણ દવે