ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીને 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે ત્યારે ચૌધરી સમાજ તેમની જેલ મુક્તિ માટે કાર્યક્રમો જાહેર કર્યા છે.
વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે અર્બુદા સેના મેદાને
અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ભાજપનો ચહેરો ખુલ્લો પાડવાના હતા પણ સરકારે શક્તિનો ઉપયોગ કરી તેમને જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે અર્બુદા સેના વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેના માટે ધરણા કરશે અને જેલભરો આંદોલન કરશે.
અર્બુદા સેના શું આયોજન કરી રહી છે?
અર્બુદા સેના 20 ઓક્ટોબરથી રોજ જિલ્લા કક્ષાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિનીમાગ સાથે ધરણા કાર્યક્રમો યોજશે. ગુજરાતના જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે અને વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવશે. 21 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના જેલભરો આંદોલન કરશે. અર્બુદા સેનાના કાર્યકરો કે સભ્યો પોલીસ સમક્ષ જાતે હાજર થઈ જશે અને પોતાને જેલમાં દાખલ કરવાની માગો કરશે. 30 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની મહાપંચાયત યોજવામાં આવશે.
વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?
દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.