અનેક વખત રાજનેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. પહેલા નિવેદન આપી દે છે અને વિવાદ વધતા માફી માગી લે છે. મારી ભૂલ છે હું સ્વીકારું છું.. આવું રાજનેતાઓ ઘણી ઓછી વાર બોલતા હોય છે. પહેલા બોલી લે છે અને પછી માફી માગી લે છે. બોલ્યા પછી રાજનેતાઓને ખ્યાલ આવે છે કે આવું ના બોલાય! આવું જ કંઈક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી સાથે થયું. થોડા દિવસો પહેલા તેમણે પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું અને હવે તેમણે તે માટે માફી માગી છે. પાટીદાર સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
પાટીદાર સંસ્થા માટે આપ્યું હતું આ નિવેદન
થોડા દિવસ પહેલા મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને કારણે વિવાદ થયો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. સાથે જ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પાટીદાર સમાજ માટે આપેલા નિવેદનને લઈ માગી માફી!
વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો! ત્યારે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે. તેમણે કહ્યું કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. મહત્વનું છે કે નિવેદન આપતા પહેલા નેતાઓ નથી વિચારતા કે તે બોલી શું રહ્યા છે અને જ્યારે વિવાદ વધે છે તે બાદ તે માફી માગી મામલો શાંત પાડવાની કોશિશ કરે છે.!