રાજ્યમાં આજે પવિત્ર પોષી પુનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પોષી પુનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, તેથી યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોષી પુનમ શાકંભરી નવરાત્રીમાં આવતી હોવાથી આ પુનમ શાકંભરી પુનમ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદીર ખાતે વહેલી સવારથી જ શ્રધ્ધાળુંઓની લાંબી કતાર જોવા મળી રહી છે. આવા જ દ્રશ્યો આજે ઊંઝામાં ઉમિયાધામ, શામળાજી, નડિયાદ સંતરામ મંદિર, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા, પાવાગઢ મહાકાળી મંદિરે પણ જોવા મળ્યા હતા.
મા અંબાની ભવ્ય શોભાયાત્રા
આજે યાત્રાધામ અંબાજીમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધીના જયોત યાત્રામાં 25 થી 30 જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.