છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પહેલવાનોની માગ હતી કે બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે. બુધવારથી તેઓ આ વાતને લઈ ધરણા કરી રહ્યા હતા. ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થઈ હતી જે બાદ અનુરાગ ઠાકુરે આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ WFIનું કામ નહીં જોવે.
અનુરાગ ઠાકુરે બીજી વખત કરી હતી બેઠક
ભારતના પહેલવાનો દ્વારા ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવ્યા છે. WFIના અધ્યક્ષ પદથી તે રાજીનામું આપે તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા.આ મામલાની ગંભીરતાને લઈ કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. પહેલી બેઠકમાં કોઈ નિવારણ ન આવ્યું હતું. આ મામલાને લઈને બીજી વખત પહેલવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.
નિરીક્ષણ કમિટીના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
કેન્દ્રીય મંત્રી સાથે બેઠક થયા બાદ શુક્રવારે મોડી રાત્રે પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે. આ મામલની તપાસ કરવા સરકારે એક નિરીક્ષણ કમિટી બનાવાનું એલાન કર્યું છે. આ કમિટી ચાર અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટના આધારે આગળ પગલા અને નિર્ણય લેવામાં આવશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને આપવામાં આવી નોટીસ
અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે ખેલાડીઓએ બેઠક દરમિયાન પોતાની માગ રાખી અને એ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટીસ પણ પાઠવવામાં આવી છે. 72 કલાકની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યાં સુધી નિરીક્ષણ કમિટી પોતાનો રિપોર્ટ નથી સોંપતી ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં કરે. આ સમિતી WFIના કામકાજ પર નજર રાખશે. ઉપરાંત બ્રિજભૂષણે આ તપાસમાં સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે.