કેનેડામાં અનેક વખત હિંદુ મંદિરો બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત કેનેડાના મિસિસોગાના એક હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સ્લોગન લખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારની છે અને રામ મંદિરની બહાર સૂત્રો લખવામાં આવ્યા છે અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મંદિરની દિવાલ પર લખાયા છે ભારત વિરૂદ્ધ સૂત્રો
વિદેશોમાં હિંદુ મંદિરોને અનેક વખત નિશાન બનાવામાં આવતા હોય છે. અનેક વખત મંદિરોની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી આવી જ એક ઘટના કેનેડાના મિસિસોગામાં બની છે જ્યાં રામ મંદિરની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાની નિંદા મહાવાણિજ્ય દૂતાવાસે કરી હતી.
પગલા લેવામાં આવે તેવી કરાઈ માગ
કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કરી કહ્યુંઅને ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને વાતો સાથે મિસીસૌગામાં રામ મંદિરને બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે.
આ પહેલા મંદિરમાં કરાઈ હતી તોડફોડ
હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવાની ઘટના પ્રથમ વખત નથી બની. એક વર્ષમાં આવી ઘટના ચોથી વખત બની રહી છે. અનેક વખત હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવામાં આવ્યા છે ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં કેનેડાના બ્રેન્પટનમાં આવેલા હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું હતું જે બાદ ગૌરી શંકર મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ મંદિરો બહાર આવા સૂત્રો લખવામાં આવતા હિંદુઓની નારાજગી સામે આવી રહી છે.