થોડા મહિનાઓ પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. થોડા દિવસો પહેલા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા.સંજયસિંહને બ્રિજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. પરિણામ આવ્યા બાદ ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી, તે બાદ બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી ત્યારે હવે શ્રેણીમાં વિરેન્દ્રસિંહ પણ આવ્યા છે. તેમણે પણ પદ્મ શ્રી એવોર્ડ પરત કરવાની વાત કરી છે.
કુસ્તીબાજોમાં જોવા મળી નારાજગી
દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ યૌન શોષણના આરોપ સાથે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. બેઠકોનો અનેક દોરો ચાલ્યો તે બાદ કુસ્તીબાજોએ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. પરંતુ તે બાદ આ વિવાદ ત્યારે છેડાયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા વ્યક્તિ એવા સંજયસિંહને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
બજરંગ પુનિયાએ કરી મેડલ પરત આપવાની જાહેરાત
WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપ સાથે દેશને ગૌરવ અપાવનારા કુસ્તીબાજો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે બાદ સાક્ષીના સમર્થનમાં બજરંગ પુનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને પોતાનો એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી.
બજરંગ પુનિયાએ લખ્યો હતો પત્ર
ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વિરેન્દ્રસિંહે કરી જાહેરાત
ત્યારે હવે વધુ એક ખેલાડીએ પોતાનું મેડલ પાછું આપવાની જાહેરાત કરી છે. વિરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે હું મારી બહેન અને દેશની દીકરીના સમ્માન માટે પદ્મશ્રી એવોર્ડ પરત આપી રહ્યો છું. માનનીય પ્રધાનમંત્રીજી મને ગર્વ છે સાક્ષી મલિક પર. પોતાના ટ્વિટ પર નિરજ ચોપરા અને સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે. મહત્વનું છે કે માત્ર બે દિવસમાં બે ખેલાડીઓએ પોતાના મેડલ પરત આપવાની જાહેરાત કરી છે.