ગુજરાતને વિકાસશીલ રાજ્ય માનવામાં આવે છે. રાજ્યમાં અનેક બ્રિજોનું નિર્માણ થાય છે જેને કારણે લોકોને સુવિધા મળી રહે. પરંતુ અનેક વખત એ પુલના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતી હોય છે અનેક શ્રમિકો માટે તે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના પાલનપુરથી સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેની નીચે 3 લોકો દટાયા હોવાની આશંકા છે. તે ઉપરાંત સ્લેબ નીચે ટ્રેક્ટર અને રીક્ષા પણ દબાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અન્ય વાહનોને પણ નુકસાન થયું હોય તેવી માહિતી સામે આવી છે.
પાલનપુરમાં ભ્રષ્ટાચારી વિકાસ ધરાશાયી થયો!
રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દુર્ઘટનામાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક દુર્ઘટના પાલનપુરમાં સર્જાઈ છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિર્માણ પામેલા બ્રિજ ધરાશાયી થતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે આ વાતને લઈ સરકાર પર કર્યા પ્રહાર
મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજ નહીં સરકારનો ભ્રષ્ટાચારી વિકાસ પડ્યો છે! જ્યાં સુધી કમલમ જતું કમિશન બંધ નહીં થાય ત્યાં સુધી આવો ભ્રષ્ટારી વિકાસ જ દેખાશે!