આંધ્રપ્રદેશમાં ફરી એક વખત નાસભાગ થવાને કારણે 3 લોકોના મોત થયા છે. ગુંટુરમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુની સભા હતી જેમાં આ નાસભાગની દુર્ઘટના બની છે. ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂ નાયડૂના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાર દિવસોમાં આવી ઘટના બીજી વાર બનવા પામી છે.
નાસભાગ થવાને કારણે 3 લોકોના થયા મોત
થોડા દિવસો પહેલા ચંદ્રબાબુ નાયડૂની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારોની ભીડ એકત્રિત થઈ હતી. આ જનસભામાં નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે 8 કાર્યકરોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવી જ નાસભાગ ફરી એક વખત નાયડૂના રોડશોમાં થવા પામી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું
આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂએ કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક દુ:ખદ દુર્ઘટના છે. મને આ વાતનો અફસોસ છે. આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે.