રાજ્યમાં તાજેતરમાં થયેલા માવઠા બાદ વધુ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે આસમાની આફત સાબિત થયેલા માવઠાને હજુ ભૂલી શકાયું નથી ત્યાં વધુ એક સંકટથી તેમની પરિસ્થિતી કફોડી બની છે. હવામાન વિભાગેના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ઉલ્લેખનિય છે આજે પણ દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 'ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે, જ્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લીમખેડામાં માવઠું તેની અસર બતાવી શકે છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે જ પ્રકારે આજે 24 કલાકમાં દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઇ શકે છે.'
નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન
મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન છે જેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણેક દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી દિવસના ટેમ્પરેચરમાં વધારો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેનિય છે કે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 19.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.