નકલી... આ શબ્દ ગુજરાતમાં અનેક વખત સાંભળવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી ઝડપાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલીનું લિસ્ટ જો આપણે બનાવા બેસીએ તો ઘણું લાંબુ થાય અને આ બધા વચ્ચે હવે નકલી વિદ્યાર્થી પકડાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. એક્ઝામ આપવા ડમી ઉમેદવાર બેસે તે પહેલા જ તે પકડાઈ ગયો છે.
બોર્ડની પરીક્ષા આપવા અસલી વિદ્યાર્થીએ મોકલ્યો નકલી પરીક્ષાર્થીને!
ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવી જાય તો આગળ વાંધો નથી આવતો. સારા પરિણામની આશા સાથે અનેક વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરતા હોય છે. દિવસ રાત એક કરી તેઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ ધોળકાથી જે કિસ્સો સામે આવ્યો છે તેણે તમામ હદ વટાવી દીધી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીએ ડમી ઉમેદવારને મોકલ્યો.
પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી!
આખી ઘટનાની વાત કરીએ તો ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધોરણ-12ની બોર્ડમાં 16 માર્ચે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ દરમિયાન ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે અસલ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર ડમી વિદ્યાર્થીને મોકલ્યો. પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર એક્ઝામ હોલમાં બેસે તેની પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી પરીક્ષાર્થીને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.