નાનપણમાં આપણે ગીત ગાતા હતા ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું... આ ગીત એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ટામેટા ભાવ લોકોને રડાવી રહ્યા છે. વરસાદની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળે છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફાર થતો હોય છે. ત્યારે હાલ ટામેટા ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટા ખરીદવા માટે 80થી 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ મોંઘવારીની લોકો ત્રસ્ત છે તો બીજી તરફ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવાથી લોકો મોંઘવારીનો ડબલ માર સહન કરી રહ્યા છે.
100 રુપિયે મળી રહ્યા છે એક કિલો ટામેટા!
મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવ વધે છે તો કોઈ વખત રાંધણ ગેસના ભાવ વધે છે. કોઈ વખત દૂધના ભાવ વધે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે.ઉનાળાની સિઝનમાં જે પ્રમાણે લીબુંના ભાવ આસમાને પહોચ્યા હતા ત્યારે હવે તેવી સ્થિતિ ટામેટાના ભાવની થઈ છે. 100 રૂપિયા કિલો હાલ ટામેટા બજારોમાં વેચાઈ રહ્યા છે. અંદાજીત એક મહિના પહેલા ટામેટાના 2-5 રૂપિયા મળી રહ્યા હતા જેને કારણે તે વખતે ખેડૂતો રડી રહ્યા હતા. ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ત્યારે તે ભાવ અને આજના ભાવ જોઈએ તો લગભગ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ભાવ સાંભળી ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે હવે ટામેટાના ભાવ સાંભળી લોકો રડી રહ્યા છે.
ભાવ વધારા પાછળ આ કારણ જવાબદાર?
જો ભાવ વધવાના કારણોની વાત કરવામાં આવે તો ગરમીને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક ભાગોમાં આકરી ગરમીને કારણે ટામેટાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે સિવાય વરસાદનું મોડું આગમન થવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હોય. આ વખતે ટામેટાનું વાવેતર ઓછું થયું છે. તે સિવાય પણ અનેક એવા ફેક્ટર છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ખેડૂતોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વરસાદ લેટ થવાને કારણે પાણી સૂકાઈ ગયા હતા. જેને લઈ ટામેટાનું ઉત્પાદન ઘટ્યું છે.
ભાવ વધારો સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ
જે વાતોની ચર્ચા થતી હોય તે વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જતી હોય છે. ત્યારે ટામેટાનો ભાવ વધારો સોશિયલ મીડિયા પર ટેન્ડિંગ લીસ્ટમાં જોવા મળ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ન માત્ર ટામેટાના પરંતુ આગામી દિવસોમાં અનેક એવા શાકભાજી હશે જેના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.