આપણે ત્યાં ભલે ગમે તેટલા કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજો બનતા હોય પરંતુ થોડા સમય બાદ જ રસ્તા પર બ્રિજ પર ખાડા પડી જતા હોય છે. કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવાને કારણે માત્ર મહિનાઓની અંદર જ ડામર રસ્તા પર દેખાતો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો વધુ એક બ્રિજ ચર્ચામાં આવ્યો છે. અમે વાત કરીએ છીએ 10 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલા સનાથલ બ્રિજની. 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર સનાથલ ઓવરબ્રીજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે.
97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા ખાડા!
થોડા સમય પહેલા હાટકેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો હતો. હલકી ગુણવત્તાવાળો સામાન વપરાવવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તા પર ખાડા પડી જતા હોય છે અથવા તો રસ્તા પર પાથરવામાં આવેલો ડામર બહાર આવી જતો હોય છે. અનેક બ્રિજો એવા છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા વચ્ચે 97 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો હોય તેવું લાગે છે. 10 મહિના પહેલા બનેલા બ્રિજ પર ડામર ઉખડી ગયો છે.
આપ ગુજરાતે બ્રિજની કામગીરીને લઈ કર્યા પ્રહાર
10 મહિના પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો એ વાત તો ઠીક પરંતુ 3 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરેક બ્રિજના સમારકામની એક જ કહાની, કરોડો રૂપિયાનો થાય ભ્રષ્ટાચાર અને આખરે જનતા ભોગવે પરેશાની.