ગુજરાતમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે ચૂંટણી પહેલા. અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવનાર સમયમાં વધુ ધારાસભ્યો, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે કનુ કલસરિયા ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે જમાવટની ટીમે એમનો ઈન્ટરવ્યું લીધો હતો ત્યારે તેમના વિચાર અલગ હતા. તે વખતે તેમને કોંગ્રેસની વિચારધારા ગમી હતી પરંતુ હવે આ વિચારધારામાં બદલાવ આવ્યો છે. કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે.
જાયન્ટ કિલર તરીકે ઓળખાય છે કનુ કલસરિયા!
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં એક બાદ એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. ગઈકાલે જ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી કેસરિયો કર્યો ત્યારે હવે વધુ એક નેતાનો વારો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને એ નેતાનું નામ કનુ કલસરિયા જે મહુવાના પૂર્વ ધારસભ્ય રહી ચૂક્યા છે. AAPમાં સક્રિય રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે. કનુ કલસરિયાએ 1998માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબિલદાસ મહેતાને બમણા મતથી હરાવી ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખ ઉભી કરી હતી.
મહુવાની આપવામાં આવી ટિકીટ!
જો કનુભાઈની વાત કરીએ તો તે 1998માં ભાવનગરની મહુવા બેઠક પરથી ચૂંટાયા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને બમણાં કરતાં વધુ મતોથી પરાજય આપીને વિસ્તારમાં દબદબો ઊભો કર્યો હતો. 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સહમતીથી કનુભાઈને ફરી એક વખત મહુવાની ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસના ઉમેદવાર બાબુ જેઠવાને હરાવ્યા બીજી વખત ધારાસભ્ય બન્યા હતા.
2014માં કનુભાઈ જોડાયા આમ આદમી પાર્ટીમાં અને પછી..,
2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ફરી એક વખત કનુભાઈ કલસરિયાને ઊતાર્યા. 2012માં કનુભાઈએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને સદભાવના મંચના નેજા હેઠળ ચુંટણી લડી ત્યાર પછી 2014માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને અને ત્યાં જલ્દી આત્મજ્ઞાન થયું તો 2017માં આપ સાથે પણ છેડો ફાડ્યો અને કોંગ્રેસ સાથે જોડાયા પાછા 2022માં કનુભાઈ કોંગ્રેસના ઉમેદવર તરીકે ચુંટણી લડ્યા પણ હાર્યા ત્યારે ફરી એક વાર લોકસભા ચૂંટણી પહેલા કનુભાઈ ભાજપમાં જોડાય એવા પૂરા એંધાણ છે!
અલગ અલગ પાર્ટીનો કનુભાઈને અનુભવ!
કનુભાઈની રાજકોય સફર ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી છે. એવું કહેવાય છે ને કે માણસે ઘાટ ઘાટના પાણી પીધા છે તો કનુભાઈ માટે કહી શકાય કે તેમણે દરેક પક્ષના પાણી પીધા છે જોકે કનુભાઈ ભાજપમાં જોડાય તો ઈન્ડિયા ગઠબંધનને ભાવનગરમાં ઘણો ફરક પડી શકે છે. ઈન્ડિયા ગઠબંધનમાં ભાવનગરથી ઉમેશ મકવાણા લડવાના છે ત્યારે કનુભાઈ ભાજપમાં જાય છે તો વોટમાં પણ ફરક પડશે. કનુભાઈને ત્યાંના લોકો માત્ર રાજનેતા તરીકે જ નહીં લોકસેવક તરીકે પણ જોવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કેટલી ઘર વાપસી અને કેટલી વિકેટ પડે છે તે જોવાનું રહ્યું.