પંજાબના અમૃતસરમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલ નજીક થયો છે. છેલ્લા પાંચ દિવસમાં બ્લાસ્ટ થવાની આ ત્રીજી ઘટના છે. બુધવાર મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંદિરના લંગર હોલ નજીક રાત્રે 12.10 વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શનિવારે તેમજ સોમવારે પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.
ધમાકા અંગે પોલીસ ભેગા કરી રહી છે પુરાવા!
ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આની પહેલા 6 મેના રોજ તેમજ 8 મેના રોજ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રે અંદાજીત 12-12.30 વાગ્યાની આસપાસ ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. બ્લાસ્ટ અંગેની માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ધમાકામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આ બ્લાસ્ટ અંગે પોલીસે કહ્યું કે અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા પાંચ જેટલા લોકોને પકડી પાડ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. ધમાકા અંગેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસ લાગી છે.