લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉમેદવારના પ્રચાર માટે અનેક જગ્યાઓ પર સભાઓનું, કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેનને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો.
ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર-ઠેર થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. પોતાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યો. આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો અનેક નેતાઓને કરવો પડ્યો છે.
ભાવનગરમાં નિમુબેનને કરવો પડ્યો વિરોધનો સામનો
પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો સી.આર.પાટીલને, હાર્દિક પટેલને, ભાનુબેન બાબરિયાને તેમજ અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે. સભા માટે જ્યારે નેતાઓ પહોંચે છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી જાય છે અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરે છે.. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડી રહી હોય તેવું લાગે છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યાં તેમનો વિરોધ નથી થયો... આ બધા વચ્ચે ભાવનગરમાં નિમુબેનની સભા થઈ રહી હતી ત્યાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી પરષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો.
વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે અનેક વખત બેઠક થઈ પરંતુ વિવાદનો અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે ફરી એક વખત આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી..