દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આજે સવારે સાડા સાત વાગ્યા નજીક 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર બે યુવાનો આવે છે અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંક્યું હતું. હાલ વિદ્યાર્થિની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેની સારવાર કરાઈ રહી છે.
દિલ્લી પોલીસે એસિડ ફેંકનારની કરી અટકાયત
દિલ્લીના મોહન ગાર્ડન વિસ્તારમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર એસિડ એટેક કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને સવારે 9 કલાકે ખબર પડી હતી કે છોકરી પર એસિડ એટેક થયો છે.
અમે વર્ષોથી લડીએ છીએ પણ સરકાર ગંભીર નથીઃ મહિલા આયોગ
સમગ્ર મામલે દિલ્લી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલાએ નિવેદન આપ્યું હતું કે પીડિત દિકરીની મદદ માટે મહિલા આયોગની ટીમ સફદરજંગ પહોંચી છે. સ્વાતી માલીવાલાએ આશ્વાસન આપ્યું હતું કે પીડિત દિકરીને જરૂરથી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે એસિડ એટેક માટે મહિલા આયોગ ઘણા સમયથી લડતું આવ્યું છે પણ સરકાર ગંભીરતાથી પગલા નથી લઈ રહ્યું.