અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલો અકસ્માત હજી ભૂલાયો નથી ત્યારે તો અમદાવાદમાં ફરીથી માત્ર 24 કલાકની અંદર અકસ્માતો સર્જાયા જેમાં 5 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક વખત એટલા ગંભીર અકસ્માત સર્જાય છે કે જે અકસ્માતનો ભોગ બન્યા હોય તેમના માટે બચવું અશક્ય થઈ જતું હોય છે. અનેક કારણોસર અકસ્માત સર્જાતા હોય છે પરંતુ ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે.
નાસ્તો કરીને ઘરે પરત ફરી રહેલા યુવાનોને નડ્યો અકસ્માત
ત્યારે એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાજેતરમાં જે અકસ્માત સર્જાયો છે તે હેબતુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રસ્તા પર સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવી રહેલી ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ, તે બાદ વીજપોલ સાથે અને અને છેલ્લે ગાડી પલટી ગઈ. ગાડીમાં 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બીજા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે કારચાલક સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક કોણ હતો તેની તપાસ પોલીસે આરંભી દીધી છે. મળતી માહિતી અનુસાર નવા વાડજમાં રહેતા મિત્રો રાત્રે દોઢેક વાગ્યે કર્ણાવતી ક્લબ નજીક આવેલા એક પાર્કમાં નાસ્તો કરવા આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં અકસ્માત સર્જાયો. કારચાલક ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો.
અકસ્માતની અન્ય ઘટનાઓ આ વિસ્તારમાં બની
મહત્વનું છે છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. બીજી ઘટનામાં ઘાટલોડિયામાં રહેતા પતિ પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. ક્રોમા સેન્ટર પાસે બાઈક મૂકી બીઆરટીએસ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાયલ કુંવરને ટક્કર મારી હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું, તો બીજો એક અકસ્માત સોમવાર સવારે જ નિપજ્યો હતો જેમાં નોકરીએ જઈ રહેલા અંકિતભાઈ અકસ્માતનો ભોગ બન્યા છે. બાઈક લઈને ઓવર બ્રિજ પર જઈ રહ્યા હતા જ્યાં લક્ઝરી બસે બાઈકને ટક્કર મારી જેને કારણે તેઓ નીચે પટકાયા. નીચે પટકાવાને કારણે બસનું ટાયર તેમના પર ફરી વળ્યું અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ઘટનાસ્થળ જ તેમનું મોત થઈ ગયું. આ તો એ આંકડો જેની ખબર પડી છે.
પૂર ઝડપે આવતી ગાડીઓ અનેક વખત બને છે અકસ્માતનું કારણ
મહત્વનું છે કે અકસ્માતના જેટલા પણ કેસો બને છે તેમાં મુખ્યત્વે ઓવરસ્પીડિંગ જ કારણ હોય છે. ગાડીને પૂર ઝડપે પહેલા કાર ચાલક દોડાવે પરંતુ જ્યારે અચાનક બ્રેક લગાવાની આવે ત્યારે ગાડી પરથી કંટ્રોલ જતો રહે અને અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ વધતી હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અને નશામાં ડ્રાઈવ કરવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ થોડા સમય પહેલા આપણે જોયું. ગાડી ચલાવતી વખતે આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.