ગુજરાતના અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ તેમજ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરેથી ચરસ મળી આવ્યું છે. 16 પેકેટમાં ભરેલુ ચરસ એસઓજીએ પકડી પાડ્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત તરીકે ગુજરાતનું નામ પ્રખ્યાત થાય તો નવાઈ નહી. હીરાકોટ બંદર નજીકના સમુદ્રમાંથી ચરસના 16થી વધુ પેકેટ મળી આવ્યા છે. એક સમય એવો હતો કે દારૂની બોટલો મળી આવતી, હવે ચરસ તેમજ ડ્રગ્સ અવાર-નવાર મળી આવે છે.
ચરસ જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી
ગુજરાતમાં ફરી એક વખત એસ.ઓ.જી ટીમને ચરસ પકડવામાં સફળતા મળી છે. ઓગસ્ટ મહિના દરમિયાન 301 કિલો ચરસનો જથ્થો એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનો જથ્થો મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કિનારેથી મળી આવેલા ચરસની કિંમત આશરે 4 કરોડ 51 લાખ માનવામાં આવી રહી છે. ચરસનો જથ્થો જપ્ત કરી એસ.ઓ.જીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. NDPSએક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.