માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ ભોષણ કરનાર દેવી માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભીક્ષા માંગવા આવેલા ભગવાન શંકરને અન્ન આપ્યું હતું. ત્યારે મતાાજીને પ્રિય એવા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે.
અન્નપૂર્ણા વ્રત 21 સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માગશર સુદ છઠ્ઠથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને માગશર વદ અગિયારસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રતની વિધી પ્રમાણે 21 સુતરના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે અને તેને ધારણ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા અન્નપૂર્ણાને કંકુ, ચંદન તેમજ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. માતાજીની પ્રતિમા અથવા તો ફોટાને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર મૂકી માતાજીની પૂજા કરવી જોઈએ. માતાજી સમક્ષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ મંત્રથી માતાજીની પૂજા કરવી જોઈએ.
અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।
જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાન્નદેહિ ચ પાર્વતી ।।
માતા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કીણીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાજીની સાચા દિલથી પૂજા કરે છે તેના ઘરમાં કદી અન્ન ખુટતું નથી. આ વ્રત દરમિયાન અનેક લોકો એક ટાણું પણ કરતા હોય છે. માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું. અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં કદી ધાન્યની ખોટ ન થાય તે માટે ભક્તો દ્વારા આ વ્રત કરવામાં આવે છે.