આપણા હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં અન્નપૂર્ણા દેવીનો પણ અનેરો મહિમા છે. માગશર મહિનાની પૂનમને અન્નપૂર્ણા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વનું ભરણ પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાને સમર્પિત આ વ્રત છે. આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવી માતાને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત પૂર્ણ શ્રદ્ધા સાથે માતા અન્નપૂર્ણાનું વ્રત કરે છે તેમના ઘરમાં કોઈ દિવસ અનાજ અને ભોજનની ખોટ પડતી નથી.
અન્નદાન કરવાનો હોય છે વિશેષ મહિમા
એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ જ માતા અન્નપૂર્ણા દેવીનું રૂપ ધારણ કર્યુ હતું. અન્નપૂર્ણા દેવી પાસે જ કીડીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા રહેલી છે. અન્નપૂર્ણા દેવીના વ્રતનો મહિમા ન માત્ર ગુજરાતમાં છે પરંતુ સમગ્ર દેશમાં આ વ્રતનો મહિમા છે. માગશર મહિનાની પૂનમના દિવસે દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રસોઈઘરમાં ચૂલાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગરીબોને પણ અન્નદાન કરવાનો મહિમા રહેલો છે.
દેવી પાર્વતીએ લીધું હતું અન્નપૂર્ણાનું રૂપ
એવી માન્યતા છે કે જ્યારે ધરતી પર અનાજની કમી પડવા લાગી અને અનાજ ખતમ થવા લાગ્યું હતું. જેને કારણે ભૂલોકના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોએ ત્રિદેવોને પ્રાર્થના કરી. ભગવાન શંકરે ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી દેવી પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી શિવજીને ભિક્ષાનું પાત્ર આપ્યું હતું. આ ભિક્ષાનું પાત્ર લઈ શિવજી સમગ્ર વિશ્વમાં ફર્યા હતા. ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાની શરૂઆત કરી હતી. અન્નપૂર્ણા વ્રત કરવાથી માતાજીની કૃપાથી ધન સંપત્તિ, મિલકત સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્રતના દિવસે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવાથી પણ માતા જલ્દી પ્રસન્ન થાય છે.