જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરતી પ્રક્રિયા રદ્દ થવાને કારણે મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં હાજર છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓએ ચીમકી આપી કે તેઓ ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરશે. ગેરરીતિ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.
યુવરાજસિંહની આગેવાનીમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ
ગુજરાતમાં પરીક્ષાઓ રદ્દ થવી, ભરતી પ્રક્રિયા રદ્દ થવી સામાન્ય બની ગયું છે. અનેક ભરતી પ્રક્રિયા , પરીક્ષા રદ્દ થાય છે ત્યારે યુવાનોના સપના તૂટી જાય છે. ત્યારે વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ્દ થઈ છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. જેટકો ઓફિસ ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કચેરીના ગેટની બહાર બેસી પરીક્ષાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે.