છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાની માગ કરી રહી છે. અનેક વખત તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ નહીંવત સાબિત થયું. કોઈ પરિણામ ન આવ્યું જેને લઈ આંગણવાડી બહેનોમાં, આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો હતો. આંગણવાડી બહેનોએ આખરે સરકાર સામે બાંયો ચઢાવી છે. બે દિવસ પોતાના કામથી અળગા રહેવાની જાહેરાત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાઓ પર આંગણવાડી બહેનો દ્વારા તેમજ આશાવર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે 2500થી વધુ આંગણવાડીઓ બંધ રહેશે.
જો માગણીઓ નહીં સંતોષાય તો આશાવર્કર બહેનો ઉપાડશે આ પગલું!
આંગણવાડી બહેનોનું કહેવું છે કે 2018થી પગાર વધારવામાં નથી આવ્યો. અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે સરકાર સમક્ષ ઉગ્ર લડત લડવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે પોતાની પડતર માગણીઓને લઈ. આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની માગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો તેમજ સાંસદોના ઘરનો તેઓ ઘેરાવો કરશે.
સરકારી કર્મચારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાયા!
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે સરકાર સામે. સરકારી કર્મચારીઓની માગણી છે કે બઢતીનો રેશિયો વધારવો જોઈએ, ફિક્સ પગાર નાબૂદી કરવી જોઈએ. તે ઉપરાંત અન્ય પણ માગણીઓ છે જેને લઈ સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સચિવાલય સંકુલમાં સરકારી કર્મચારીઓ કાળા કપડામાં સજ્જ દેખાયા હતા. શિક્ષકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.