ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બદલાની રાજનિતી જોર પકડી રહી છે. આજે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સામે વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન જે મંજૂરી આપી હતી એનું ઉલ્લંઘન થતા FIR નોંધવામાં આવી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી છે.
અનંત પટેલ સામે શા માટે નોંધાઈ FIR?
અનંત પટેલ પર થયેલા હુમલાના 20 દિવસ બાદ પણ હુમલાખોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહેતા આદીવાસી સમાજમાં વ્યાપક અસંતોષ છે. પોલીસ કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજ દ્વારા ગત રોજ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી આક્રોશ રેલીને કુલ 22 અલગ અલગ શરતોને આધારે મંજૂરી આપવામાં આવી હતી. જેનું પાલન ન થતા આ પગલું ભરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતા આનું ઉલ્લંઘન કરાયું હતું. તે ઉપરાંત મંજૂરીની શરતો પ્રમાણે આક્રોશ રેલીની સમય મર્યાદા પણ નક્કી કરાઈ હતી, પરંતુ એ નિશ્ચિક કરાયેલી સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક રેલી વધારે ચાલી હોવાથી અનંત પટેલ સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે આ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.