રાજ્ય સરકારે આજે આણંદ કલેક્ટર ડી એસ ગઢવી વિરૂધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કર્યા છે. આણંદ કલેક્ટર ડી એસ ગઢવી સામે વીડિયો ક્લિપિંગ મુદ્દે આક્ષેપ થયા બાદ તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2015ના પ્રોબેશનરી IAS દિલીપ એસ ગઢવીએ 2022માં આણંદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો હતો, જોકે હવે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો એડિશનલ ચાર્જ સોપવામાં આવ્યો છે.
તપાસના આદેશ બાદ કાર્યવાહી
આણંદ કલેક્ટર ડી એસ ગઢવી સામે એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ વિવાદાસ્પદ વીડિયો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી કક્ષાએથી તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો. સરકારના આદેશ બાદ અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચ કક્ષાની કમિટી મામલાની તપાસ કરી રહી છે ત્યારે ડી એસ ગઢવી સસ્પેન્ડ કરવામાં આવતા આણંદ કલેક્ટર કચેરીમાં હડકંપ મચી ગયો છે. ડી એસ ગઢવી અગાઉ જ્યારે ખેડાના ડીડીઓ હતા ત્યારે પણ એક વિવાદમાં ફસાયા હતા. હવે તેમને આણંદ કલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
મહિલા અધિકારીઓ કરી હતી તપાસ
મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યા છે જેમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશ્નર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.